Showing posts with label Literature. Show all posts
Showing posts with label Literature. Show all posts

Monday, November 10, 2008

રમેશની સોનલ



Image: ©Vinod Dave 2008


ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે


તમને ફૂલ દીધાનું યાદ


-રમેશ પારેખ

Friday, November 07, 2008

આદિલની વિદાય

Gujarati and Urdu poet Adil Mansuri passed away yesterday. He just met me about a month back and we had lunch together. At that time I felt an urgency of taking his photos as I somehow felt the shadow of death over him. To pay tribute to his soul, two of his poems and two of his photographs that I took during his last visit to my home/studio are presented here.





એક જ માસ પહેલા એમણે સર્જન કરેલા અનેક ડીજીટલ ચિત્રોનો થપ્પો લઈને મને બતાવવા માટે મારી પાસે ન્યુ યોર્ક આવેલા ત્યારે તેમની છેલ્લી મુલાકાત। એ વખતે આવનાર મરણ જાણે સાથે લેતા આવ્યા હોય તેમ ભય લાગેલ. મારા માટે ફલાફલ લેતા આવેલા તે સાથે જમીને તરત, ફરી મળાય કે ન મળાય એવા વિચારે, ત્રણ ચાર છેલ્લા ફોટા પાડી લઈ તેમને વિદાય કરેલા ત્યારે તેઓ આટલી ગતિથી જતા રહેશે એમ તો કેમ ખબર હોય? પ્રસ્તુત છે તેમની બે ક્રુતિઓઃ:




સતત એક પળ વિસ્તરે છે, (પરંતુ;)
સમય - રિક્તતાને ભરે છે, (પરંતુ.)

કોઈ એક છાયા, કોઈ એક છાયા,
દીવાલોને તોડી સરે છે, (પરંતુ.)

આ ઊંડાણ તારું, સમંદરનું મારું,
સપાટી થઈને તરે છે, (પરંતુ.)

તિમિર પ્યાલીઓમાં ઠરે રાત ઢળતાં,
કોઈ રોજ સૂરજ ધરે છે, (પરંતુ.)

નહીંતર કશો ભય નથી જીવવામાં,
કશુંક છે કે લોકો ડરે છે, (પરંતુ.)

બધી સરહદો ઓગળી જાય આખર,
ક્ષિતિજ માથું ઊંચું કરે છે, (પરંતુ.)

કશું શબ્દ અને અર્થની વચ્ચે હરપળ,
નથી જન્મતું ને મરે છે, (પરંતુ.)


- ‘આદિલ’ મન્સૂરી




હા કબૂલ્યું ગુપ્તચર છું હું,
નામ બદલી
મૌનના કાળાં રહસ્યો પામવા
ભટકું અહીં
હું છગ્નવેશે.
છંદના ખંડેરમાં બેસું કદી
બાવો બની,
લયની સૌ ભઠિયારગલીઓમાં
સદા ભૂખ્યાનો કરતો ડોળ
રખડું.
હાઈકુના સત્તરે અક્ષર મહીં
સંકેત કરતો,
ફૂંક મારે દઉં ગઝલના કાનમાં.
એકેક ચપટા શબ્દના પોલાણને,
અંદર જઈ જોઉં તપાસું,
સહેજ પણ શંકા જો આવે કોઈને તો
અર્થના નકશાઓ ચાવી જાઉં.
હા કબૂલ્યું ગુપ્તચર છું હું.

-’આદિલ’ મન્સૂરી

Sunday, November 02, 2008

કંકુના સૂરજ


Image: © Vinod Dave 2008

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા,
શગને સંકોરોરે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજરે
હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….

રાવજી પટેલ

a&c acknowledges tahuko.com as reference source.

નખે કંઇ બોલતો


Image: © Melika Dave 2008

હીરા તળકામાં નખે કંઇ બોલતો,
હાવ વાખામાં નખે કંઇ બોલતો.

હરાદમાં બામણને હઉં બોલાવહે,
તોય ફરિયામાં નખે કંઇ બોલતો.

ભૂતભૂવાની વચે રે’વાનું છે,
ગામ ચોરામાં નખે કંઇ બોલતો.

અંઈ અટકળી ખાઈ ઓંચાઈ ગિયા,
જાત પળખામાં નખે કંઇ બોલતો.

છે જીવન કિસોર તરગાળા હમું,
એ ભવાળામાં નખે કંઇ બોલતો.

- કિશોર મોદી

(હુરતી શબ્દોનાં શુદ્ધ શબ્દો… : હીરા તળકામાં = છાયા તડકામાં; નખે = નહીં; હાવ = સાવ; વાખામાં = ભૂખમરાના સંકટમાં; હરાદ = શ્રાધ્ધ; બામણને = બ્રાહ્મણને; હઉં = સૌ; બોલાવહે = બોલાવશે; રે’વાનું = રહેવાનું; અંઈ = અહીં; અટકળી = હેડકી; ઓંચાઈ ગિયા = ધરાઈ ગયા; પળખામાં = પડખામાં; કિસોર = કિશોર; તરગાળા = ભવાયાની એક જાતિ; હમું = સમું; ભવાળામાં = ભવાડામાં, ભવાઈમાં)

Originally from Surat, now retired in Virginia, Kishor Modi writes Gazals in typical Surati style Gujarati that even people from elsewhere in Gujarat might find difficult to grasp. But for those who understand, his literary genius is an unexpected surprise. a&c does not believe in translation/explanation. a&c acknowledges layastaro.com as source of this surprise find.