તારીખ તો બરાબર યાદ નથી, પણ વર્ષ ૧૯૫૭નું હતું. ભારતીય નૌકાદળનું યુદ્ધજહાજ INS રણજીત હિન્દી મહાસાગરમાં હંકારી રહ્યું હતું. મુંબઇથી મૂળ તો તે એડન જવા માટે નીકળેલું, પણ એડનમાં રોગચાળો ફાટી નીકળ્યાના સમાચાર મધદરિયે મળ્યા પછી જહાજે પૂર્વ આફ્રિકાની દિશા પકડી હતી. હવે તે કેન્યાના મોમ્બાસા બંદર તરફ આગળ વધી રહ્યું હતું. કાંઠો હજી કેટલાક કિલોમીટર દૂર હતો ત્યાં જહાજના વાયરલેસમાં મેસેજ ઝીલાયો. મેસેજ મોમ્બાસા બંદરેથી હતોઃ ‘આપના જહાજ પર વિજયગુપ્ત મૌર્ય નામના પત્રકાર હાજર છે? જો હોય તો એમને જાણ કરો કે તેઓને મળવા માટે અહીં ગુજરાતીઓની ભીડ જામી છે.’‘નહિ, એ નામની કોઇ વ્યક્તિ અમારા જહાજ પર નથી!’ INS રણજીત પર ફરજ બજાવી રહેલા કોમોડર એસ. એમ. નન્દાએ પ્રત્યુત્તર આપ્યો. ‘અહીં એક જ પત્રકાર છે અને તેમનું નામ મિસ્ટર વાસુ છે, વિજયગુપ્ત મૌર્ય નહિ.’ નન્દાએ ફોનનું રીસિવર મૂક્યું.આ સાંભળી કોમોડર નન્દાની બાજુમાં ઉભેલા પત્રકાર તરત બોલી ઉઠ્યા--‘એ હું જ છું... મારા વાચકો મને વિજયગુપ્ત મૌર્ય તરીકે ઓળખે છે.’નન્દા આશ્ચર્ય પામી ગયા. સમુદ્રી પ્રવાસ દરમ્યાન મિસ્ટર વાસુ સાથે વિવિધ વિષયો પર વાતચીત કરતી વખતે તેમના અસીમ જ્ઞાનનો પરચો નન્દાને બરાબર મળ્યો હતો. પરિણામે નન્દા એટલું તો જાણતા હતા કે મિસ્ટર વાસુ સામાન્ય પત્રકાર ન હતા. આમ છતાં કોઇ પત્રકારને મળવા માટે પારકા દેશમાં લોકમેદની જામે એ કોમોડર નન્દા માટે કલ્પના બહારની વાત હતી. થોડી વારે જહાજ મોમ્બાસા પહોંચ્યું ત્યારે તો નન્દાનું આશ્ચર્ય ઓર વધ્યું. મિસ્ટર વાસુ ઉર્ફે વિજયગુપ્ત મૌર્ય જહાજમાંથી ઉતર્યા એટલે હારતોરા સાથે અનેક ગુજરાતીઓ તેમને ઘેરી વળ્યા. આ સૌ ગુજરાતીઓ મુંબઇથી પ્રગટ થતા અને પૂર્વ આફ્રિકામાં લગભગ ૨૨,૦૦૦ નકલોનો ફેલાવો ધરાવતા ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારના વાચકો હતા. સૌનો આનંદ એટલા માટે સમાતો નહોતો કે ‘પ્રવાસી’માં આખરી પાને ‘છેલ્લું પાનું’ શીર્ષક હેઠળ વર્ષોથી પીરસાતી જ્ઞાનવિજ્ઞાનની અદ્ભૂત વાંચનસામગ્રીના કલમબાજ વિજયગુપ્ત મૌર્યને નજરોનજર જોવાનો લહાવો તેમને મળ્યો હતો.આ નાટ્યાત્મક પ્રસંગ આજે માનો યા ન માનો જેવો લાગે, પણ વિજયગુપ્ત મૌર્ય માટે આવાં પ્રસંગો પત્રકારત્વમાં તેમની સાડા ચાર દાયકા લાંબી કારકિર્દી દરમ્યાન ઘણી વખત આવ્યાં. હિમાચલ, સોહમ્, ચાણક્ય, મુક્તાનંદ વિશ્વયાત્રી, પંડિત કૌશિક શર્મા, વિ. મુ. વાસુ, ગોસ્વામી શ્રી વિજયરાયજી, વિજયતુંગ, વાચસ્પતિ, ઇન્દ્રધનુ, વસંતવિજય વગેરે કુલ ૧૭ ઉપનામોએ તેમણે ૧૯૪૫ થી ૧૯૯૧ સુધી અનેક સામયિકોમાં તેમજ અખબારોમાં જ્ઞાનવિજ્ઞાનનાં વિવિધ વિષયો પર હજારો લેખો આપ્યા. ખગોળશાસ્ત્ર હોય કે કીટકસૃષ્ટિ, પ્રાણીજગત હોય કે વનસ્પતિજગત, ભૂસ્તરશાસ્ત્ર હોય કે ભૌતિકશાસ્ત્ર, વિજયગુપ્ત મૌર્યની પકડ દરેક વિષય પર હતી. વળી મજૂબત હતી. જે તે વિષયમાં તેમનું પાંડિત્ય તો ખરૂં, ઉપરાંત અઘરામાં અઘરા વિષયને સરળ ભાષામાં રજૂ કરવાની અનોખી શૈલી તેમની પાસે હતી. આ બેઉ ખૂબીઓના સમન્વયે લાખો ગુજરાતી વાચકોને વિજયગુપ્ત મૌર્યની કલમના ચાહક બનાવ્યા હતા.આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં માર્ચ ૨૬, ૧૯૦૯ ના રોજ વિજયશંકર મુરારજી વાસુ તરીકે પોરબંદરમાં જન્મેલા વિજયગુપ્ત મૌર્યએ માધ્યમિક શિક્ષણ પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં લીધું. ૧૯૩૩માં મુંબઇમાં વકીલાત ભણીને પોરબંદર પાછા ફર્યા અને વકીલાત શરૂ કરી. ચાર વર્ષ પછી દીવાની અને ફોજદારી અદાલતમાં ન્યાયાધીશ તરીકેનો હોદ્દો સંભાળ્યો. મૂળ જીવ લેખકનો અને વળી પક્ષીદર્શનનો ભારે શોખ, એટલે પક્ષીઓ વિશે પોતાનું ઊંડું જ્ઞાન લેખોના સ્વરૂપે વ્યક્ત કરે અને તે લેખો ‘પ્રકૃત્તિ’ નામના સામયિકમાં નિયમિત રીતે છપાય.માણસના જીવનમાં અમુક પ્રસંગો ટર્નંિગ પોઇન્ટ સાબિત થતા હોય છે. પોરબંદરના ન્યાયાધીશ વિજયશંકર વાસુને વખત જતાં વિજયગુપ્ત મૌર્ય બનાવવામાં નિમિત્ત બનેલો પ્રસંગ ૧૯૪૪માં આકસ્મિક રીતે જ બન્યો. થયું એવું કે મુંબઇમાં ગોરી સરકાર સામે આઝાદીની લડત ચલાવી રહેલા ડૉ. વસંત અવસરે નામના ક્રાંતિકારી સાથે વિજયશંકરનો ભેટો થયો. બ્રિટિશ સરકાર સામે ‘આંદોલન’ કર્યાના આરોપસર અવસરે અને તેમના સાથીદારોના નામે મુંબઇમાં અરેસ્ટ વૉરન્ટ જારી થયું હતું, એટલે ગિરફ્તારીથી બચવા એ ક્રાંતિકારી ડૉક્ટર મુંબઇથી નાસતા છૂપાતા પોરબંદર પહોંચ્યા હતા. વિજયશંકર વાસુને તેમણે પોતાનો કેસ લડવા વિનંતી કરી ત્યારે જવાબ મળ્યો, ‘ચિંતા નહિ કરો. તમારો કેસ હું લડીશ.’ ન્યાયાધીશ હોવાના નાતે જો કે એવું તેઓ કરી ન શકે, એટલે જજના મોભાદાર પદેથી તેમણે રાજીનામું આપ્યું. સામાન્ય વકીલની રૂએ ડૉ. અવસરેનો કેસ (વિનામૂલ્યે) લડવા માટે મુંબઇ ગયા અને અવસરેને ન્યાય અપાવ્યો.આ બનાવે વિજયશંકર વાસુની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીને પૂર્ણવિરામ ભલે મૂકી દીધું, પણ બીજી તરફ તેમનામાં રહેલા લેખકજીવને બેઠો કરી દીધો. મુંબઇમાં વસી જવાના નિર્ણય સાથે ગોરધનદાસ શેઠની પેઢીમાં મહિને માત્ર રૂા.૭૫ ના પગારે વિજયશંકર ટાઇપિસ્ટ તરીકે જોડાયા. આર્થિક સંઘર્ષ થકવનારો હતો. આમ છતાં તેમણે પોતાનો લેખનશોખ જીવંત રાખ્યો અને ‘પ્રકૃત્તિ’ સામયિકમાં લેખો આપતા રહ્યા. કેટલાંક વર્ષ બાદ મુંબઇના પ્રતિષ્ઠિત ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબાર સાથે જોડાવાનો તેમને મોકો મળ્યો અને વિજયગુપ્ત મૌર્યના નામે તેમણે ‘જન્મભૂમિ પ્રવાસી’ના અંતિમ પાને ‘છેલ્લું પાનું’માં પ્રાણીપંખીનાં લેખો આપવાનું શરૂ કર્યું. લેખોની સંખ્યા અને સાઇઝ શરૂઆતમાં સીમિત રહી, પરંતુ વખત જતાં બ્રહ્માંડ, વિજ્ઞાન, સમુદ્રસૃષ્ટિ, વનસ્પતિજગત વગેરે વિષયોને લગતાં વૈવિધ્યપૂર્ણ લેખો વિજયગુપ્ત મૌર્યની કલમે લખાતા ગયા તેમ ‘છેલ્લું પાનું’માં તેમને વધુ ને વધુ મહત્ત્વ અપાતું ગયું અને વિજયગુપ્ત મૌર્ય છેવટે આખા પાનાનું લેખનસંપાદન કરતા થયા. ૧૯૭૩ ના અરસામાં ‘જન્મભૂમિ પ્રવાસી’ છોડ્યા પછી તેઓ ફ્રી લાન્સ પત્રકાર તરીકે અખબારોમાં તેમજ સામયિકોમાં માહિતીસભર લેખો આપવા લાગ્યા. દરમ્યાન ‘શેરખાન’, ‘કપિનાં પરાક્રમો’, ‘સિંહ વાઘની સોબતમાં’, ‘શિકારીની તરાપ’, ‘કીમિયાગર કબીર’, ‘હાથીના ટોળામાં’, ‘કચ્છથી કાશ્મીર સુધી લડી જાણ્યું જવાનોએ’, ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’, ‘ઝગમગતું ઝવેરાત’, ‘સમુદ્રની અજાયબ જીવસૃષ્ટિ’, ‘પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ’, ‘જિંદગી જિંદગી’ વગેરે પુસ્તકો પણ લખ્યાં.ગુજરાતી પત્રકારત્વમાં લગભગ ૪૬ વર્ષની લાંબી કારકિર્દી ભોગવવા છતાં વિજયગુપ્ત મૌર્ય આર્થિક રીતે કદી બે પાંદડે થઇ ન શક્યા. ભારે મહેનતે તૈયાર કરાયેલા અકેક માહિતીસભર લેખનું યોગ્ય આર્થિક વળતર તેમને પ્રકાશકો તરફથી કદી મળ્યું નહિ. વળી ઊંચા વળતરની તેમણે કદી આશા કે અપેક્ષા રાખી પણ નહિ, એટલે જે મળ્યું તેનાથી સંતોષ માની સાદગીભયુર્ં જીવન તેમણે વીતાવ્યું. ગુજરાતી વાચકોને કંઇક નવું, રસાળ અને જ્ઞાનવર્ધક લખાણ પીરસવાની નેમ સાથે તેમણે કલમ ઉઠાવી હતી અને તે નેમને આજીવન તેઓ ચુસ્તપણે વળગી રહ્યા. પાછલી ઉંમરે આંખોનું તેજ ઘટવા છતાં, કમરનો દુખાવો એકધારો રહેતો હોવા છતાં અને પાર્કિન્સનનો અસાધ્ય રોગ લાગૂ પડ્યો હોવા છતાં તેમણે પોતાની કલમનું તેજ ઝાંખું પડવા દીધું નહિ. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લેખનકાર્યમાં વ્યસ્ત રહ્યા. લાંબી માંદગી બાદ જુલાઇ, ૧૯૯૨માં તેમણે વિદાય લીધી અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વનો અજોડ દાખલો બેસાડતા ગયા.જ્ઞાનવિજ્ઞાનની જે કેડી વિજયગુપ્ત મૌર્યએ કંડારી એ કેડીને તેમના પુત્ર નગેન્દ્ર વિજયે પણ કારકિર્દી તરીકે પસંદ કરી. પિતાની જેમ જ્ઞાનવર્ધક અને લોકોપયોગી સાહિત્ય પીરસવા માટે જ પત્રકારત્વ ચલાવવાની નેમ સાથે નગેન્દ્ર વિજયે (૧૪ વર્ષની વયે) કલમ ઉઠાવી અને ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવાં અભૂતપૂર્વ સામયિકો ગુજરાતને આપ્યાં. આ બેય સામયિકોએ વિજ્ઞાન જેવા અઘરા જણાતા વિષયમાં સરેરાશ ગુજરાતી વાચકને ઊંડો રસ લેતા કરી દીધો એને નગેન્દ્ર વિજયની સિદ્ધિ ગણવી રહી. નગેન્દ્ર વિજયે તેમની રસાળ કલમ વડે નવી પેઢીની વિચારશૈલી બદલી છે અને તેમના મગજમાં ચાલતી થોટ પ્રોસેસને ટૉપ ગિઅરમાં નાખી છે. પ્રત્યક્ષ રીતે તેમનાં જીવન બદલ્યાં છે. જુદી રીતે કહો તો સમાજલક્ષી તેમજ મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ ચલાવવાના ઉચ્ચ સંસ્કારોનો પિતાએ આપેલો વારસો પુત્રએ બરાબર જાળવ્યો.આ લખનારે આજથી અઢારેક વર્ષ પહેલાં ‘સફારી’ના કાર્યાલયમાં પાર્સલો સીવવાના કાર્ય સાથે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે એક સંકલ્પ કર્યો હતો--ગમે તે ભોગ આપવો પડે, પણ જ્ઞાનવિજ્ઞાનનો શક્ય એટલો વધુ ફેલાવો કરવો. આ સંકલ્પના અન્વયે તમામ આર્થિક હિતો ભૂલીને ‘સફારી’ને એક ઝૂંબેશ તરીકે ચલાવ્યું, અંધજનો માટે ‘સફારી’ની શ્રાવ્ય આવૃત્તિ પ્રગટ કરી, ઇન્ટરનેટ પર ‘સફારી’ની વેબસાઇટ આરંભી અને અંગ્રેજી ભાષામાં ‘સફારી’નું પ્રકાશન શરૂ કર્યું.અલબત્ત, વાત ત્યાં પૂરી થતી નથી. હજી ઘણું કરવાનું બાકી છે. વિજયગુપ્ત મૌર્યની કલમે લખાયેલું સાહિત્ય પુસ્તક સ્વરૂપે આજની તેમજ આવતી કાલની પેઢી સુધી પહોંચતું કરવું છે; ભવિષ્યમાં ભારતની અન્ય ભાષાઓમાં ‘સફારી’નું પ્રકાશન શરૂ કરવું છે, જેથી નગેન્દ્ર વિજય લિખિત જ્ઞાનવિજ્ઞાનના લેખો ભારતભરમાં પ્રાદેશિક લેવલે પહોંચી શકે અને વખત આવ્યે ગુજરાતમાં ક્યાંક ‘નગેન્દ્ર વિજય સાયન્સ સેન્ટર’ સ્થાપવું છે, જેથી નવી પેઢીમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવી શકાય.આ બધી મારી ઇચ્છાઓ નથી, બલકે નેમ છે. સંકલ્પ છે. કલમયોગી પત્રકાર વિજયગુપ્ત મૌર્યના પૌત્ર હોવાના નાતે એમ કરવું મારી ફરજ પણ છે.
**********************************************************************************
કોઇ માણસ લોકપ્રિયતાના ભલે ગમે તેટલા ઊંચા શિખર પાર કરે, પણ સંસારમાંથી તે વિદાય લે ત્યાર બાદ તેને ભૂલી જવાનો માનવસહજ સ્વભાવ છે. પોરબંદરના સાહિત્યપ્રેમી વતનીઓને જો કે એ બાબતે અપવાદ ગણવા રહ્યા, જેમણે પોરબંદરની ધરતી પર માર્ચ ૨૬, ૧૯૦૯ના રોજ જન્મેલા વિજયગુપ્ત મૌર્યને તેમના અવસાનના સત્તર વર્ષે થયે પણ યાદ રાખ્યા છે.આ સદ્ગત લેખકની જન્મશતાબ્દિ નિમિત્તે જુલાઇ ૧૧, ૨૦૦૯ ના રોજ પોરબંદર ખાતે ત્યાંના આર્યસમાજના, કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટના તથા પુષ્કર્ણા બ્રહ્મસમાજના સંયુક્ત ઉપક્રમે વિજયગુપ્ત મૌર્યના માનમાં સ્મરણાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પોરબંદરમાં વિજયગુપ્ત મૌર્યને જેમણે નજરોનજર જોયેલા તેવા શ્રી નરોત્તમ પલાણ જેવા પ્રખર વિદ્ધાનોની તથા રામજીભાઇ પાડલિયા જેવા સાહિત્યરસિકોની હાજરીએ તેમજ તેમના સંસ્મરણોએ પ્રસંગને સરસ ‘નોસ્ટાલ્જિક ટચ’ આપ્યો. કાર્યક્રમના અન્ય વક્તાઓએ પણ વિજયગુપ્ત મૌર્ય વિશે કેટલીક રસપ્રદ વાતો કરી, જે પૈકી કેટલીક અમારા માટે પણ અજાણી હતી. આખરમાં કેટલાક યુવાન કવિઓએ પોતાની મૌલિક કવિતાઓ રજૂ કરીને પોરબંદરમાં જળવાયેલા સાહિત્યના વારસાનો વખાણવાલાયક પરચો આપ્યો.એકંદરે કાર્યક્રમ સુંદર તેમજ હ્ય્દયસ્પર્શી રહ્યો એ વાતનો આનંદ છે, પરંતુ વધુ આનંદ એ વાતે છે કે વિજયગુપ્ત મૌર્યને પોરબંદરની પ્રેમાળ અને સાહિત્યરસિક પ્રજા હજી ભૂલી નથી. સંસારમાંથી વિદાય લીધાના લગભગ બે દાયકે પણ કોઇ લોકપ્રિય વ્યક્તિની લોકચાહના બરકરાર રહે એથી મોટી શ્રદ્ધાંજલિ તેના માટે બીજી શી હોઇ શકે?તા.ક. કાર્યક્રમના મુખ્ય અતિથિ તેમજ વિજયગુપ્ત મૌર્યના કલમવારસ નગેન્દ્ર વિજયે કાર્યક્રમમાં વ્યક્ત કરેલા પોતાના વિચારો અહીં બ્લોગના વાચકો માટે રજૂ કરૂં છું...
મૂળ વતનની ભૂમિ પર ઘણા વખતે ફરી પગ મૂક્યાનો જે સહજ આનંદ દરેક વ્યક્તિને હોય તે આજે હું પણ અનુભવી રહ્યો છું. વધુ પ્રબળ લાગણી જો કે પોરબંદર મારૂં મૂળ વતન હોવા બદલના તેમજ આપના જેવા સાહિત્યપ્રેમી અને જાગૃત પોરબંદરનિવાસીઓ પ્રત્યેના ગૌરવની છે. આજનો કાર્યક્રમ આયોજિત કરી આપ સૌએ મને અહીં હાજર રહેવાનો જે સુખદ મોકો આપ્યો છે તે હજી ટૂંક સમય પહેલાં મારી કલ્પના બહારનો હતો. મારા સદ્ગત પિતાજી વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિના વર્ષે તેમની જન્મભૂમિ પર આટલી સહૃદયતા અને સ્નેહપૂર્વક તેમને યાદ કરાય એવી મને સ્વપ્નેય ધારણા ન હતી, કેમ કે સમયનું વહેણ જૂની સ્મૃત્તિઓને નિરંતર ઝાંખી પાડી અંતે ભુલાવી દેતું હોય છે.એક પેઢી બદલાઇ ચૂકી છે. આથી વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ મનાવવા માટે મારે શું કરવું તે મૂંઝવનારી સમસ્યા હતી. પ્રશ્ન એ થયો કે આજે કેટલા લોકો જાણતા હોય કે આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં પોરબંદરની ધરતી પર વિજયશંકર મુરારજી વાસુના નામે એક ભેખધારી વ્યક્તિ જન્મી હતી, જેણે વિજયગુપ્ત મૌર્ય એવું ઉપનામ ધારણ કર્યા બાદ સતત અડધી સદી સુધી ગુજરાતની પ્રજા માટે પોતાની રસાળ કલમ દ્વારા અખૂટ જ્ઞાનનો ધોધ વહાવ્યો હતો? આ સ્થિતિમાં જન્મશતાબ્દિ નિમિત્તે જે પણ પ્રવૃત્તિ હાથ ધરૂં તેમાં સૌ પ્રથમ તો વિજયગુપ્ત મૌર્ય એટલે કોણ તેનો પરિચયાત્મક ખુલાસો મારે આપવો પડે, જે મને તેમની અનોખી સાહિત્યિક, સમાજલક્ષી અને સમૃદ્ધ કારકિર્દી જોતાં વિરોધાભાસ જેવું લાગતું હતું. પરંતુ સમયના વીતવા સાથે વિજયગુપ્ત મૌર્ય ભુલાવા માંડ્યા હોય એવી મારી ધારણાને આજના કાર્યક્રમે ભૂલભરેલી ઠરાવી છે--અને તે વાતનો મને આનંદ છે.આજથી સો વર્ષ પહેલાં વીસમી સદીના આરંભે મુરારજી વાસુ નામના જે કંદોઇને ત્યાં મારા પિતાનો જન્મ થયો તેમને આખું પોરબંદર ભોપા મહારાજ તરીકે જાણતું હતું--અને રાજદરબાર સુધી તેમની શાખ હતી. કંદોઇને ત્યાં જન્મેલા પુત્ર વિશે સાધારણ રીતે એવી અપેક્ષા રખાય કે મોટો થયા બાદ તે ખાજલી-પેંડા બનાવે અને પિતાની દુકાન સંભાળી લે. પરંતુ મારા પિતાજીના ભાગ્યમાં મિઠાઇનાં ખોખાં વચ્ચે નહિ, પણ પુસ્તકોનાં થોથાં વચ્ચે જીવવાનું તેમજ મિષ્ટાન્નને બદલે જ્ઞાનવિજ્ઞાનના માહિતીલેખો રાંધવાનું લખાયું હતું. ભણતરનો વિષય કાયદાશાસ્ત્ર ખરો, પરંતુ રસના વિષયો પક્ષીશાસ્ત્રથી માંડીને ભૂસ્તરશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર સુધીના અનેક હતા. પોરબંદરના ખાડીવિસ્તારમાં તેમજ આસપાસના વગડાઉ પ્રદેશમાં ઋતુપ્રવાસી પંખીડાનું નિરીક્ષણ કરવું, લાયબ્રેરીમાં કલાકો વીતાવવા, ‘પ્રકૃત્તિ’ નામના પ્રતિષ્ઠિત સામયિકમાં તેમજ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના જર્નલમાં પ્રાણી-પંખીઓ વિશે નવી જાણકારી લખવી વગેરે પ્રવૃત્તિઓ તેમના માટે કાયદાના અભ્યાસ કરતાં વિશેષ હતી. જ્ઞાન મેળવવું અને મેળવેલું જ્ઞાન કલમના માધ્યમ દ્વારા બહોળા સમાજને આપવું તે છેવટે તેમની મુખ્ય પ્રવૃત્તિ અને સરવાળે કારકિર્દી બની. વિજયશંકર મુરારજી વાસુને વિજયગુપ્ત મૌર્યની ભૂમિકા અપાવવામાં આપણા જાણીતા સાહિત્યરત્ન શ્રી ગુલાબદાસ બ્રોકર નિમિત્ત બન્યા. ન્યાયધીશના હોદ્દે પહોંચી ચૂકેલા મારા પિતાજીએ આઝાદીની લડત દરમ્યાન સંજોગવશાત્ પોરબંદર છોડીને મુંબઇમાં માસિક રૂ. ૭૫ના પગારે ટાઇપિસ્ટની નોકરી સ્વીકારવી પડી, જેના વડે કુટુમ્બનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. આ વાત મુંબઇમાં જ વસતા શ્રી ગુલાબદાસ બ્રોકરે જાણી ત્યારે તેમણે ‘જન્મભૂમિ’ દૈનિકના તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’ સાથે મારા પિતાજીની ઓળખાણ કરાવી અને પિતાજીના લેખો છાપવાની ભલામણ કરી. ‘ક્યા વિષય પર લખવાનું ગમે ?’ એવો પ્રશ્ન તંત્રીએ પૂછ્યો ત્યારે પિતાજીએ પક્ષીપરિચયના વિષય પર પસંદગી ઢોળી. તંત્રી સહમત થયા. વારાફરતી અકેક પક્ષીનો અત્યંત રોચક અને રમતિયાળ શૈલીમાં પરિચય આપતા લેખો એટલા લોકભોગ્ય અને લોકપ્રિય નીવડ્યા કે ટૂંક સમય પછી ‘જન્મભૂમિ’ની રવિવારીય પૂર્તિમાં દરેક પક્ષીદીઠ આખું પાનું ફાળવવામાં આવ્યું. માત્ર એક બાબત તંત્રી મોહનલાલ મહેતા ‘સોપાન’ને ખટકતી હતી. પિતાનું નામ વિજયશંકર મુરારજી વાસુ, એટલે લેખક તરીકે તેઓ ટૂંકમાં વિ. મુ. વાસુ લખતા હતા. લેખોની ગુણવત્તા પાસે એ નામ ‘સોપાન’ને ફિક્કું લાગતું હતું. કોઇ પ્રભાવશાળી ઉપનામ અપનાવવાનું તેમણે સૂચવ્યું. વિ. મુ. વાસુ ત્યાર પછી વિજયગુપ્ત મૌર્ય બન્યા, જેમાં વિજય તેમનું અસલ નામ હતું અને મારા દાદાના મુરારજી નામનું તેમણે મૌર્ય કરી નાખ્યું. વિજયની પાછળ ગુપ્ત એવો પ્રત્યય લાગવો તો સ્વાભાવિક હતો. ‘જન્મભૂમિ’ની રવિવારીય પૂર્તિ પ્રવાસીનો સંપૂર્ણ ચાર્જ સોંપાયા પછી તેમણે પંડિત કૌશિક શર્મા, હિમાચલ, મુક્તાનંદ વિશ્વયાત્રી વગેરે નવાં ઉપનામો ધારણ કર્યાં. પૂર્તિનો સૌથી લોકપ્રિય વિભાગ હોય તો ‘છેલ્લું પાનું’, જેણે વિજયગુપ્ત મૌર્ય નામ લોકજીભે રમતું કરી દીધું. મુંબઇમાં મારા વસવાટ દરમ્યાન મેં એવાં ઘર જોયાં છે કે જ્યાં રવિવારે ‘જન્મભૂમિપ્રવાસી’ની બબ્બે નકલો મંગાવવામાં આવતી હતી-જેથી ‘છેલ્લું પાનું’ પહેલાં વાંચવા માટે કુટુમ્બનાં સભ્યો વચ્ચે ગજગ્રાહ થાય નહિ. વિજયગુપ્ત મૌર્યને ગુજરાતભરમાં આવી જ લોકચાહના ‘અખંડ આનંદ’ માસિકમાં આપતી તેમની સવાલ-જવાબની કટાર ‘જ્ઞાનગોષ્ઠિ’એ અપાવી. મને યાદ છે કે એક વાર ઓપરેશન માટે હોસ્પિટલમાં તેમણે અઠવાડિયું રોકાવાનું થયું અને એક અંક પૂરતી ‘જ્ઞાનગોષ્ઠિ’ની કોલમ લખવાની અસમર્થતા તેમણે દર્શાવી ત્યારે અખંડ આનંદ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી મનુ સુબેદારે મેગેઝિનનું પ્રકાશન દસ દિવસ માટે અટકાવ્યું હતું. ‘અખંડ આનંદ’નો અંક ‘જ્ઞાનગોષ્ઠિ’ વિભાગ વગરનો પ્રસિદ્ધ થાય એ મનુ સુબેદારને માન્ય ન હતું, કારણ કે વાચકો એ વિભાગની ખોટ ચલાવી ન લે એવી તેમને ખાતરી હતી.જ્ઞાનવિજ્ઞાનના અનેક વિષયોને વાચકો માટે રસપ્રદ બનાવી જાણતા મારા પિતાને જે મામૂલી આર્થિક મળતર મળતું તે મને પહેલેથી કઠતું રહ્યું હતું. પુરસ્કારની રકમ વધારવા માટે તેઓ ક્યારેય માગણી ન કરતા તે પણ મને ગમતું નહિ. આ બાબત અંગે ક્યારેક હું બળાપો કરૂં ત્યારે તેમનો જવાબ એ હોય કે, ‘મારા થકી વાચકોને જ્ઞાન મળે છે એ જ મારો પુરસ્કાર છે.’આ વાક્ય શરૂ શરૂમાં તો મને જચતું નહિ, પણ જાણ્યેઅજાણ્યે છેવટે તે મારૂં જીવનસૂત્ર બન્યું. ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવાં જ્ઞાનવિજ્ઞાનનાં સામયિકો હું પ્રકાશિત કરી શક્યો હોય તો એ મારા પિતાની ઊચ્ચ વિચારધારાને આભારી છે. આજે ‘સફારી’ ગુજરાતનું બહોળો ફેલાવો ધરાવતું અકેમાત્ર મેગેઝિન છે કે જેમાં એક પણ જાહેરખબર લેવાતી નથી. પહેલા કવરથી છેલ્લા કવર સુધી વાચકો માટે જ્ઞાનવિજ્ઞાનનો ભંડાર જ ખડકેલો હોય છે. ‘સફારી’ની ઓડિયો સી.ડી. પ્રગટ કરાય છે, જે તેમને વિનામૂલ્યે આપવામાં આવે છે. આ બધાનું શ્રેય મારા પિતાજીને જાય છે, છતાં એક વાતની ચોખવટ કરૂં કે પિતાની ઊચ્ચ વિચારધારાને હું જીવનમાં ઊતારી શક્યો અને ઊંચી કક્ષાનું ‘સફારી’ ચલાવી શક્યો તે ઘણા અંશે મારા પુત્ર ચિ. હર્ષલ પુષ્કર્ણાને આભારી છે, જેણે ત્રીજી પેઢીએ દાદાનો વારસો જાળવ્યો છે. ‘સફારી’માં લેખનથી માંડીને વહીવટ સુધીની બાબતોનો ઘણોખરો કાર્યભાર તેણે સંભાળી લીધો. આજથી ૬૫ વર્ષ પહેલાં સરસ્વતીનો વાસ ધરાવતા ઘરમાં મારો જન્મ થયો તે મારા જીવનની પ્રથમ ઘટના હતી અને બીજી એટલી જ સુખદ ઘટના એ કે વિજયગુપ્ત મૌર્યના બૌધિક અને નૈતિક સંસ્કારો સાથે ચિ. હર્ષલ મારા ઘરે જન્મયો, જ્યાં પણ માતા સરસ્વતીનો વાસ હતો--અને છે.વિજયગુપ્ત મૌર્ય દ્વારા ગુજરાતની પ્રજાને તેમજ મારા પરિવારને મળેલા વારસાની આજે તેમની જન્મશતાબ્દિ નિમિત્તે આપ સૌએ કદર કરી આજનો પ્રસંગ યોજ્યો એને હું મારા જીવનની ત્રીજી સુખદ ઘટના તરીકે યાદ રાખીશ અને જીવું છું ત્યાં સુધી આપ સૌની કદરદાનીનું ઋણ મારા શિરે રહેશે. ધન્યવાદવંદેમાતરમ્

Both articles by -Harshal Pushkarna (Mr. Vasu's grand son)
**********************************************************************************
Note: He was my favorite writer during my childhood and early youth. I even wrote about one of his books (kapi na parakramo) as my favorite one in my s.s.c. (high school) examination Gujarati language paper. Vijaygupta Maurya's importance can not be realized by the new generation in the Google age when all questions could be answered by the search engine giant. But compare Vijaygupta to Google and his importance could be paralleled- Gujarati readers used to get answers to all their questions by asking Vijaygupta in his feature called "Gnan Goshti" in the Gujarati magazine "Akhand Anand". He was a "living Google" then - I am talking about 1960s when I was his fan. I think he coined his pen name after the great emperor Chandragupta Maurya. -spiritualpanther
No comments:
Post a Comment